મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં બનેલી હત્યાની ઘટનામાં સામેલ આરોપીઓના પિતા, જે પોતે પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે, તેમને પોલીસે સોની બજારમાં જાહેરમાં ફેરવી 'કાયદાનું ભાન' કરાવ્યું હતું. આ દ્રશ્યો જોઈને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હત્યારા પુત્રો અને ગુનેગાર પિતા
મોરબી પોલીસે તાજેતરમાં થયેલી એક હત્યાના કેસમાં હત્યારાઓની ધરપકડ કરી હતી. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓના પિતા પણ દૂધે ધોયેલા નથી. પિતા અગાઉ વ્યાજખોરી, ગેરકાયદેસર દારૂના વેપાર સહિતના અનેક ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. પોલીસ જ્યારે આરોપીઓના ઘરની ઝડતી લેવા પહોંચી ત્યારે ત્યાંથી બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો.
સોની બજારમાં કાઢ્યો વરઘોડો
ગુનેગારોમાં પોલીસનો ડર રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જળવાય તે હેતુથી મોરબી પોલીસે અનોખો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સોની બજાર જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં તેનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસના આ કડક વલણને સ્થાનિક લોકોએ બિરદાવ્યું છે.
વ્યાજખોરી અને દારૂના વેપારનો પર્દાફાશ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પિતા લાંબા સમયથી વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલો હતો અને ઘરમાં દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હતો. પોલીસે પ્રોહિબિશન અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી મોરબીના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Sabarkantha News: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ