મોરબી શહેરમાં થોડા દિવસો પૂર્વે થયેલી યુવાનની ચકચારી હત્યાના કેસમાં હવે ન્યાયની માગ બુલંદ બની છે. તાજ મોહમ્મદ ભટ્ટી નામના યુવકનું અપહરણ કરી, તેની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવી દાટી દેવાના બનાવથી સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. આ મામલે આજે સુન્ની મુસ્લિમ કસબા જમાત (મિયાણા સમાજ) દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
જમીન અને નાણાકીય લેતીદેતીના ડખ્ખામાં થયેલી આ હત્યાને લઈને સમાજના લોકોમાં ભારે આક્રોશ છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમાજના અગ્રણીઓ અને યુવાનોએ હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, જે રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતા મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.













