ખેડા જિલ્લાના નડિયાદમાં પીજ ચોકડી નજીકથી ગૌવંશના અવશેષો મળી આવતા ગૌભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પીજ ચોકડી જેવા ધમધમતા વિસ્તાર પાસે ગાયનું કપાયેલું માથું અને પગ મળી આવતા ગૌહત્યા થઈ હોવાની આશંકા પ્રબળ બની છે. આ ઘટનાને પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


પોલીસની ભૂમિકા સામે સવાલો

ઘટનાની જાણ થતા જ હિન્દુ ધર્મ સેનાના પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠી કાર્યકરો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વસો પોલીસને બોલાવી હતી. જોકે, પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સંગઠનનો આક્ષેપ છે કે, વસો પોલીસે 'કૂતરાઓ ગૌવંશ ખેંચી લાવ્યા હશે' તેવું કહીને તપાસમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ વલણને કારણે ગૌભક્તોમાં પોલીસ પ્રત્યે વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે.

છઠ્ઠી વખત ગૌવંશના અવશેષો મળ્યા

હિન્દુ ધર્મ સેનાના જણાવ્યા અનુસાર, આ જ સ્થળે અત્યાર સુધીમાં છઠ્ઠી વાર ગૌવંશના અવશેષો મળી આવ્યા છે. વારંવાર એક જ સ્થળે આવી ઘટના બનતી હોવા છતાં ગૌહત્યારાઓ પોલીસ પકડથી બહાર છે. સંગઠને માગ કરી છે કે, મળી આવેલા અવશેષોની FSL દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આ વિસ્તારમાં સક્રિય ગૌહત્યારાઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. હાલમાં વસો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - Kheda News: રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક, લક્ષ્મી સ્નેક્સના 1,000 કામદારો હડતાલ પર ઉતર્યા



  • Follow us on: