ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સમતા પાર્ટી પ્લોટ પાસેના સોલિટેર કોમ્પ્લેક્સમાં તસ્કરોએ કળા કરી છે. અહીં આવેલા 'ઋત્વી સ્ટુડિયો'ને નિશાન બનાવી ચોરો આશરે 7 લાખ રૂપિયાના કિંમતી કેમેરા અને સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા છે.


સોલિટેર કોમ્પ્લેક્સના ઋત્વી સ્ટુડિયોમાં ચોરી

તસ્કરોએ સ્ટુડિયોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. સ્ટુડિયોમાંથી Canon કંપનીની બે કેમેરા કિટ, ત્રણ હાઈ-એન્ડ કેમેરા અને ત્રણ મોંઘા લેન્સની ચોરી કરવામાં આવી છે. સ્ટુડિયો માલિક જ્યારે સવારે દુકાને પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. કિંમતી સાધનો ચોરાઈ જતાં માલિક આર્થિક નુકસાનથી હતપ્રભ થઈ ગયા છે.

બે કેમેરોની કિટ ચોરતો તસ્કર CCTVમાં કેદ

આ સમગ્ર ચોરીની ઘટના સ્ટુડિયોમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કર કેમેરાની ચોરી કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. નડીયાદ પશ્ચિમ પોલીસ મથકની હદમાં બનતી આ સતત ચોરીની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક બાદ એક બનતી આવી ઘટનાઓથી સ્થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: