ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં આવેલું શ્રદ્ધાનું કેન્દ્ર અને અતિપ્રાચીન એવા મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. વહેલી સવારે તસ્કરોએ મંદિરના તાળા તોડી કરોડોની કિંમતના ચાંદી અને સોનાના આભૂષણો પર હાથ સાફ કર્યો છે. આ ઘટનાને પગલે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
ચોરીની મોડસ ઓપરેન્ડી
ઘટનાની મળતી માહિતી અનુસાર, ચોરીની આ ઘટના આજે વહેલી સવારે 2:30 થી 5:00 વાગ્યાના અરસામાં બની હતી. તસ્કરો આયોજનબદ્ધ રીતે મંદિરમાં પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં રહેલા મહાદેવના શણગાર અને માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. સવારે જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે ચોરીની જાણ થતા ભક્તોમાં ભારે રોષ અને આઘાત જોવા મળ્યો હતો.
કઈ કઈ વસ્તુઓની ચોરી થઈ?
તસ્કરો મંદિરમાંથી આશરે 13 કિલો ચાંદી અને 3 તોલા સોનાના ઘરેણાં ચોરી ગયા છે. જેમાં ચાંદીની વસ્તુઓમાં 8 કિલોના ચાંદીના નાગ, 2.50 કિલોનો ચાંદીનો ઘડો, 2.50 કિલોની ચાંદીની પાવડી અને 500 ગ્રામનો ચાંદીનો મુગટની ચોરી થઈ છે. જ્યારે સોનાની વસ્તુઓમાં માતાજીનો 2 તોલાનો સોનાનો સેટ અને 1 તોલાની સોનાની વાળીની ચોરી થઈ છે.
પોલીસ તપાસ તેજ
ચોરીની જાણ થતા જ નડિયાદ ટાઉન પોલીસ, ખેડા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં થયેલી ચોરીના આરોપીઓને વહેલી તકે પકડવા લોકો માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો - Nadiad: પતંગ રસિકો આનંદો: ઉત્તરાયણે પવનની ગતિ 9થી 14 કિલોમીટર સુધીની રહેશે