પોરબંદર જિલ્લામાં લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જેના આધારે રાજપર (નવાગામ) વિસ્તારમાં રેડ કરીને એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું છે.
પોરબંદર SOGને મળી સફળતા
પોરબંદર SOGની ટીમને બાતમી મળી હતી કે, રાજપર ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. પોલીસે રેડ કરી મૂળ કેશોદના લીમડા ચોક વિસ્તારમાં રહેતા મોસીન હુસેન જેઠવા નામના શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સ પાસે કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો.
રૂપિયા 35,820નો મુદ્દામાલ જપ્ત
કાર્યવાહી દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી અલગ-અલગ પ્રકારની એલોપેથિક દવાઓ, કેપ્સ્યુલ, ઈન્જેક્શન અને અન્ય મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂપિયા 35,820નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી પાસે ડોક્ટર હોવા અંગેના કોઈ પણ પુરાવા કે લાયસન્સ મળ્યા ન હતા.
અનેક ગામડાઓમાં ફેલાવેલું હતું નેટવર્ક
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ બોગસ ડોક્ટર માત્ર રાજપર જ નહીં, પરંતુ આસપાસના ભડ, મિત્રાળા, દેરોદર અને એરડા જેવા ગામોમાં પણ જઈને પ્રેક્ટિસ કરતો હતો. ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Porbandar: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક