રાજકોટના જેતપુર પાસે આવેલા ચાંપરાજપુર ગામ નજીક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને બુટલેગરે કાર ઉભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. પોલીસથી બચવા માટે બુટલેગરે બેફામ ગતિએ કાર ચલાવી માર્ગ પરથી પસાર થતા એક નિર્દોષ બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ફિલ્મી પીછો કર્યા બાદ આખરે પોલીસે ઘેરાબંધી કરીને કારને પકડી પાડી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની કુલ 2244 બોટલો મળી આવી હતી, જેની કિંમત લાખોમાં અંકાય રહી છે.
મોતના સોદાગરોનો આતંક
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે કારમાં અલગ-અલગ રજિસ્ટ્રેશનવાળી નંબર પ્લેટોનો ઉપયોગ કરતા હતા, જે કારમાંથી જ મળી આવી છે. પોલીસે આ દારૂના જથ્થા સહિત કુલ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય બુટલેગરો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો.













