રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભાવેશ વાણવી નામના યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વીડિયો મૂકવા બાબતે જૂની અદાવતમાં પાંચ શખ્સોએ કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફરસી, ધોકા અને પાઈપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં ભાવેશ વાણવીને ફરસીના પાંચથી વધુ ઘા ઝીંકવામાં આવતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.













