રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી માત્ર 5 વર્ષ અને 10 મહિનાની માસુમ બાળકી પર 50 વર્ષીય શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને ચકચાર ફેલાઈ ગઈ છે.
પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપ્યો
ઘટનાની જાણ પરિવારને થતા તેમણે કોઈ વિલંબ કર્યા વિના 21 જાન્યુઆરીના રોજ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પોક્સો એક્ટ તેમજ બળાત્કારની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કાળુભાઈની ધરપકડ કરી લઈ કડક પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે બાળકીનું તબીબી પરીક્ષણ કરાવ્યું
પોલીસે બાળકીનું તબીબી પરીક્ષણ કરાવ્યું છે તેમજ સમગ્ર મામલે વધુ કાયદેસરની તપાસ હાથધરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, કેસને અત્યંત સંવેદનશીલ માનીને ઝડપી અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવશે. દોષિતને કડકમાં કડક સજા મળે તે માટે તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
નરાધમે બે-બે વાર હીન કૃત્ય
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી કાળુભાઈ નાગજીભાઈ છાવ (ઉંમર ૫૦ વર્ષ) દ્વારા બાળકીને લલચાવી-ફોસલાવીને બે અલગ અલગ દિવસોમાં આ ગંભીર ગુનો આચરવામાં આવ્યો હતો. આરોપીએ ગત ૧૩ જાન્યુઆરી અને ફરીથી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આ હીન કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નિર્દોષ બાળકી સાથે થયેલી આ ઘટના જાણતા જ પરિવારજનોમાં ભારે આઘાત અને દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી.
સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Rajkot News : ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત, સિંગતેલનો ભાવ વધીને રુ. 2760એ પહોંચ્યો