રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજકોટની પંચનાથ સોસાયટીમાં પશુ ભરેલી રિક્ષા રોકવા જતાં ગૌરક્ષકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ગૌરક્ષકને છરીના ઘા ઝીંકવામાં આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે રિક્ષા ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરમાં આવેલા પંચનાથ સોસાયટી વિસ્તારમાંથી પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને એક રિક્ષા પસાર થઈ રહી હતી. આ અંગેની જાણ થતા ગૌરક્ષકોએ રિક્ષાને અટકાવી હતી. રિક્ષા ઉભી રખાવતા જ રિક્ષા ચાલક અને તેની સાથેના અન્ય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગૌરક્ષકો સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.
જોતજોતામાં મામલો બિચક્યો હતો અને રિક્ષા ચાલકે તીક્ષ્ણ હથિયાર વડે ગૌરક્ષકો પર હુમલો કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં એક ગૌરક્ષક લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.\
CCTV ફૂટેજ અને પોલીસ કાર્યવાહી
આ સમગ્ર હિંસક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે રિક્ષા ચાલક અને તેના સાથીઓ ગૌરક્ષકો પર તૂટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પ્ર.નગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ CCTV ફૂટેજ કબ્જે કરીને હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પશુઓની હેરાફેરી કયા હેતુથી કરવામાં આવતી હતી અને આ હુમલામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે લક્ઝુરિયસ BMW કારનો અકસ્માત