ડાયમંડ સિટી સુરતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલી ત્રિવેણી સોસાયટીમાં એક અત્યંત શરમાજનક ઘટના સામે આવી છે. જેમાં પોતાની દીકરીને હેરાન કરતા અસામાજિક તત્ત્વોને રોકવા ગયેલા એક 63 વર્ષીય વૃદ્ધ પર ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ હથિયાક વડે હુમલો કર્યો હતો.


દીકરીની સુરક્ષા માટે ગયા અને હુમલાનો ભોગ બન્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, વેડરોડની ત્રિવેણી સોસાયટીમાં રહેતા 63 વર્ષીય પ્રભાકર સુભાષ વેંગરેની દીકરીને કેટલાક અસામાજિક તત્વો સતત હેરાન-પરેશાન કરતા હતા. આ બાબતે સમજાવવા અને દીકરીને હેરાન ન કરવા વિનંતી કરવા ગયેલા પ્રભાકરભાઈ પર અચાનક 4 થી 5 અજાણ્યા ઈસમો તૂટી પડ્યા હતા. વૃદ્ધ હોવા છતાં આ શખ્સોએ જરા પણ દયા રાખ્યા વગર તેમને માર માર્યો હતો.

CCTV ફૂટેજમાં કેદ થઈ ક્રૂરતા

અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ હુમલાની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે ટોળું વળીને આ શખ્સો વૃદ્ધ પિતા પર હુમલો કરી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આવા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

પોલીસ કાર્યવાહી

આ બનાવ અંગે ભોગ બનનાર પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસ સામે હવે આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવાનો પડકાર છે, જેથી સામાન્ય નાગરિકો અને ખાસ કરીને દીકરીઓ સુરક્ષિત અનુભવી શકે.


આ પણ વાંચો - Surat: ઉમરામાં બે બાળકોના અપહરણનો પ્રયાસ કરાતા ખળભળાટ, ચોકલેટની લાલચ આપી કારમાં બેસાડ્યા પણ બાળકોએ ચીસાચીસ કરી


  • Follow us on: