ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગના ગઢ ગણાતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત ઇકો સેલ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી આચરનારા મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરી રાવળની ધરપકડ કરી છે. આરોપીએ વર્ચ્યુઅલ નંબરો અને વિદેશી કંપનીઓના ખોટા નામે સુરતના વેપારીઓને 4.80 કરોડનો ચૂનો લગાવ્યો હતો.


છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હરેકૃષ્ણ અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતો હતો. તે અમેરિકન કંપનીના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપતો અને સુરતના હીરા વેપારીઓનો સંપર્ક કરતો હતો. વિશ્વાસ જીતવા માટે તે પોતાને વિદેશી બાયર ગણાવતો અને 7 દિવસમાં પેમેન્ટ આપવાના વાયદે હીરાનો કિંમતી માલ હોંગકોંગ અથવા દુબઈ મંગાવી લેતો હતો.

વર્ચ્યુઅલ નંબરનો ખેલ

આ સમગ્ર કૌભાંડમાં સૌથી મહત્વની કડી 'વર્ચ્યુઅલ નંબર્સ' હતા. આરોપી ટેકનોલોજીનો દુરુપયોગ કરી ટ્રેસ ન થઈ શકાય તેવા નંબરોથી વેપારીઓ સાથે વાત કરતો. જેવો હીરાનો જથ્થો વિદેશમાં મળી જતો, કે તરત જ તે તમામ નંબરો બંધ કરી દેતો અને વેપારીઓ સાથેનો સંપર્ક તોડી નાખતો હતો. આ રીતે તેણે અનેક વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

ઇકો સેલની કાર્યવાહી

વેપારીઓની ફરિયાદને આધારે સુરત ઇકો સેલ હરકતમાં આવ્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માસ્ટરમાઈન્ડ હરેકૃષ્ણ ઉર્ફે હરી રાવળને દબોચી લીધો છે. પોલીસે તેની પાસેથી છેતરપિંડીમાં વપરાયેલા ઉપકરણો કબજે કર્યા છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ ધરપકડથી હીરા બજારના અન્ય ઠગબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો -  Surat: યાર્ન વેપારીને ચૂનો લગાવનાર ઠગ જોડીની ધરપકડ, સારોલી પોલીસની પ્રશંસનીય કામગીરી


  • Follow us on: