ડાયમંડ સિટી હવે ક્રાઈમ સિટી બની રહ્યું છે. સુરત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં જાહેર રોડ પર એક યુવકની સરેઆમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ક્રિષ્ના AC મોલ જેવા ભરચક વિસ્તારની બહાર બનેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.


મોલની બહાર જ હુમલાખોરો તૂટી પડ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, ડિંડોલી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના AC મોલ પાસે આશિષસીંગ રાજપૂત નામનો યુવક હાજર હતો, ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમોએ તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવકને રહેંસી નાખવા માટે જાહેરમાં લોહિયાળ ખેલ ખેલ્યો હતો. આ હિંસક હુમલામાં આશિષસીંગ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

પરિવારમાં આક્રંદ, હોસ્પિટલ પહોંચ્યો પોલીસ કાફલો

હત્યાની જાણ થતા જ આશિષસીંગના પરિવારજનો દોડતા થઈ ગયા હતા અને ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની ગંભીરતાને જોઈ ડિંડોલી પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ડિંડોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, હુમલાખોરો કોણ હતા અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં પોલીસ અત્યારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Surat News: ગેસની અછતથી કંટાળી શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ


  • Follow us on: