ડાયમંડ સિટી સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગોડાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરીને મોટા પાયે નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડ્સના નામે ડુપ્લીકેટ સૌંદર્ય પ્રસાધનો બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર સસ્તા ભાવે વેચવામાં આવતા હતા.


ઓનલાઇન વેચાણ દ્વારા છેતરપિંડી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હિતેશ કાતરીયા છેલ્લા 8 મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો. તે બ્રાન્ડેડ કોસ્મેટિક પ્રોડક્ટ્સની હૂબહૂ નકલ તૈયાર કરી તેને મૂળ કિંમત કરતાં અડધી કિંમતે ઓનલાઇન વેચતો હતો. ગ્રાહકો સસ્તી વસ્તુની લાલચમાં આવીને આ નકલી પ્રોડક્ટ્સ ખરીદતા હતા, જે ત્વચા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગોડાદરા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કારખાના પર રેડ કરીને કુલ રૂપિયા 8.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. જેમાં તૈયાર કોસ્મેટિક પ્રોડક્ટ્સ, ખાલી બોટલો, સ્ટીકરો અને પેકેજિંગ મશીનરીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર હિતેશ કાતરીયાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Surat news: ડાયમંડ સિટી બન્યું ક્રાઈમ હબ, દર દસમા દિવસે હત્યાની ઘટના


  • Follow us on: