ઉત્તર પ્રદેશના હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની સનસનાટીભરી હત્યાના કેસમાં સંડોવાયેલા અને અગાઉ યુપી પોલીસના હાથે ઝડપાયેલા લિંબાયતના યુસુફ પઠાણની સુરત પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે. આ વખતે યુસુફ અને તેના સાગરીત ઇરફાન ઉર્ફે મોનુ હુસૈન પર ખંડણી ઉઘરાવવાનો અને કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં મદદગારી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.


7 લાખની ખંડણી અને કારની લૂંટ

લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર, યુસુફ પઠાણ અને ઇરફાન હુસૈને એક વ્યક્તિને ડરાવી-ધમકાવી તેની પાસેથી કાર અને રૂપિયા 7 લાખની રોકડ ખંડણી પેટે વસૂલી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઓપરેશન હાથ ધરી બંનેને દબોચી લીધા હતા. હાલમાં યુસુફ પઠાણ પોલીસ રિમાન્ડ પર છે, જ્યારે તેના સાગરીત ઇરફાનનો કબ્જો લુણાવાડા પોલીસે મેળવ્યો છે.

5.50 કરોડના સાયબર ફ્રોડનું કનેક્શન

તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બંને આરોપીઓની સંડોવણી લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા રૂપિયા 5.50 કરોડના સાયબર ફ્રોડમાં પણ સામે આવી છે. આરોપીઓએ સાયબર માફિયાઓને નાણાં સગેવગે કરવા માટે 'મ્યૂલ એકાઉન્ટ' (ભાડાના ખાતા)ની વ્યવસ્થા કરી આપી હતી.

અમર જરીવાલા સાથે કનેક્શન

નાનપુરાનો અમર જરીવાલા સાયબર ફ્રોડના નાણાં પાર્ક કરવા માટે ખાતાની શોધમાં હતો. યુસુફ પાઠાણ અને ઇરફાને અમર જરીવાલાનો મેળાપ એક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે કરાવ્યો હતો અને તે ટ્રસ્ટના ખાતાની વિગતો સાયબર માફિયાઓને પહોંચાડી હતી.

ગુનાહિત ઈતિહાસ અને આગામી કાર્યવાહી

વર્ષ 2019માં લખનઉમાં થયેલી કમલેશ તિવારીની હત્યામાં યુસુફ પઠાણની ભૂમિકાને લઈને તેની ધરપકડ થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. સુરત પોલીસે સાયબર ફ્રોડના ગુના અંગે લુણાવાડા પોલીસને જાણ કરી છે. લિંબાયત પોલીસના રિમાન્ડ પૂર્ણ થતા જ યુસુફ પઠાણનો કબ્જો પણ લુણાવાડા પોલીસ સોંપવામાં આવશે.


આ પણ વાંચો - Surat News: BRTS બસમાં યુવક પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો


  • Follow us on: