સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાહેર પરિવહન સેવા સમાન BRTS બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટનામાં ઉધના પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી દશરથ વાઘ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટકાયત કરી લેવામાં આવી છે.


જાહેર બસમાં હિંસક હુમલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવક BRTS બસમાં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે આરોપીઓ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ ઉશ્કેરાઈને યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. ધોળા દિવસે જાહેર બસમાં થયેલા આ હુમલાથી મુસાફરોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

ઉધના પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપી દશરથ શ્રીરામ વાઘને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દશરથ વાઘ એક રીઢો ગુનેગાર છે. તેની વિરૂદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો, વલસાડમાં ગુનાહિત પ્રવૃત્તિ અને સલાબતપુરા પોલીસ મથકે કેસ નોંધાયેલા છે.

પોલીસ કાર્યવાહી

ઉધના પોલીસ દ્વારા આરોપી દશરથની ધરપકડ કરવાની સાથે તેની સાથે રહેલા બાળકિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલામાં વપરાયેલું હથિયાર કબ્જે કરવા અને આ હુમલા પાછળ અન્ય કોઈ કારણ છે કે, કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે. સુરતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. જે કારણે શહેરીજનોમાં આંશિક સંતોષ જોવા મળ્યો હતો.


આ પણ વાંચો - Surat : મહિલા પેસેન્જરની દાદાગીરી, BRTS બસના ડ્રાઇવર પર હુમલો, ડ્રાઇવરે બસ ઉભી રાખવાની ના પાડતા મામલો બિચક્યો


  • Follow us on: