સુરતમાં ભૂમાફિયા, ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયા બાદ હવે પાણી માફિયાનો પગ પેસરો થયો છે. સુરત શહેરમાં ગેરકાયદે પાણી માફિયા પર તવાઈ બોલાવવામાં આવી છે. સુરતમાં ગેરકાયદે પાણીની બોરિંગ પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિંડોલીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીનો વેપાર ચાલી રહ્યો છે. જેની સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
સુરત મનપાએ બોરવેલ તોડયા
સુરતમાં ગેરકાયદે બોરવેલથી પાણી કાઢીને મિલોને પહોંચાડવામાં આવતું હતું. જે કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા બોરવેલ તોડવામાં આવ્યા છે. આ મામલે સુરત મનપા વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. જેમાં શિક્ષાત્મક પગલા લેવાની તૈયારી પણ મનપા દ્વારા દર્શાવવામાં આવી છે. સુરત મનપાની આ કાર્યવાહીને કારણે પાણી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.













