સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી જે. ઝેડ. શાહ કોલેજમાં રોફ જમાવવા માટે મારામારી કરનારા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વીડિયોના આધારે કાર્યવાહી કરી છે. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમની પાસે માફી મંગાવી હતી.


શું હતી સમગ્ર ઘટના?

અમરોલીની જે. ઝેડ. શાહ કોલેજના કેમ્પસમાં થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોએ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો. પોતાનું વર્ચસ્વ જમાવવા અને ભયનો માહોલ ઉભો કરવાના ઈરાદે કરવામાં આવેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં આરોપીઓ બેફામ બનીને મારપીટ કરતા નજરે પડ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.




પોલીસે શાન ઠેકાણે લાવી

વીડિયો વાયરલ થતા જ અમરોલી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી આતંક મચાવનાર ત્રણેય મુખ્ય આરોપીઓ આર્યન રબારી, ઋત્વિક ઉર્ફે રીંકલ રબારી અને આદિત્ય રબારીની ધરપકડ કરી હતી. પોલીસે અસામાજિક તત્વોમાં કાયદાનો ડર બેસાડવા માટે આરોપીઓને જે-તે ઘટના સ્થળે લઈ જઈ, તેમનો 'વરઘોડો' કાઢ્યો હતો. પોલીસે આ ત્રણેય પાસે જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. જે શખ્સો કોલેજમાં રોફ જમાવતા હતા, તેમની હાલત જોઈ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.


આ પણ વાંચો - Surat ડ્રગ્સ લેબ કેસમાં નવો વળાંક, તપાસ છોડી દિલ્હી ભાગી ગયેલી સંચાલક ઇશા અરણધણની થશે પૂછપરછ


  • Follow us on: