સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરતા છેલ્લા બે દાયકાથી વધુ સમયથી પોલીસને થાપ આપી રહેલા હત્યાના વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. વર્ષ 2003માં કાપોદ્રા વિસ્તારમાં થયેલી એક હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી કુંજ ઉર્ફે સંજય મહારાષ્ટ્રના થાણે ખાતેથી પોલીસના સકંજામાં આવ્યો છે.


2003માં અદાવતમાં કરી હતી હત્યા

ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2003માં સુરતના કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતને રાખીને આરોપી કુંજ ઉર્ફે સંજય ઉર્ફે સંજુ બૈધનાથ ખેરવાર અને તેના સહ-આરોપીઓએ મળીને એક વ્યક્તિની ઘાતકી હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસ અન્ય આરોપીઓ સુધી પહોંચી હતી, પરંતુ મુખ્ય આરોપી સંજય પોલીસ પકડથી બચવા માટે સુરત છોડીને નાસી ગયો હતો.

થાણેમાં ઓળખ છુપાવીને રહેતો હતો આરોપી

છેલ્લા 23 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં રહેતો હતો. તે સતત સ્થળ અને કામ બદલીને પોલીસની નજરમાંથી બચતો રહ્યો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી થાણેમાં છુપાયેલો છે. જેના આધારે ટીમે મહારાષ્ટ્રમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.

કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ હવે તેને આગળની તપાસ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 23 વર્ષ જૂના આ વણઉકેલાયા કેસમાં આરોપીની ધરપકડ થતા પોલીસ બેડામાં પણ ચર્ચા જાગી છે. આ કામગીરી દર્શાવે છે કે,ગુનેગાર ગમે તેટલો સમય ભાગે, પરંતુ આખરે તે કાયદાની પકડમાં આવે જ છે.


આ પણ વાંચો - Surat: સુરતમાં 17 વર્ષીય દીકરીને ફસાવનાર નરાધમ ઝડપાયો, લોકોમાં ભારે રોષ


  • Follow us on: