સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ભગવતી નગરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026ના પ્રારંભે જ્યારે લોકો મંદિરે દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તસ્કરોએ આ પવિત્ર સ્થાનને નિશાન બનાવ્યું હતું. મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ દાનપેટી અને અન્ય જગ્યાએ રોકડ રકમ શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેઓએ મંદિરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.
રોકડ ન મળી તો તોડફોડ કરી
તસ્કરો એટલા સાતિર હતા કે પકડાઈ જવાની બીકે તેઓ મંદિરમાં લાગેલા CCTV કેમેરા અને DVR પણ પોતાની સાથે ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસને કોઈ પુરાવા ન મળી શકે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલ (FSL) તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. નવા વર્ષની વહેલી સવારે જ આંતક મચાવનાર આ તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે આસપાસના રસ્તાઓના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.













