સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પ્રભુનગર ખાતે નજીવી બાબતમાં એક યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગલીમાંથી પસાર થતી વખતે માત્ર ખભો અથડાવા જેવી સામાન્ય તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસક ઘટનામાં દિનેશ પ્રજાપતિ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે તેના બે માસૂમ બાળકો પિતા વિહોણા બન્યા છે.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક દિનેશ પ્રજાપતિ જ્યારે પ્રભુનગરની ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા શિવકરણ બિન્દા સાથે તેમનો ખભો અથડાયો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા શિવકરણે, જે લૂમ્સના ખાતામાં મજૂરી કામ કરે છે, તેણે ઉશ્કેરાટમાં આવી પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે દિનેશ પર હુમલો કરી દીધો હતો. દિનેશને ગંભીર હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી

હત્યા બાદ આરોપી શિવકરણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઉધના પોલીસે ગુનાની ગંભીરતાને સમજી તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા શિવકરણને ઝડપી લીધો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Surat: પીપલોદ ડુમસ રોડ પર કારનો ગમખ્વાર અકસ્માત, ડિવાઈડરનું ઝાડ તોડી કાર પલટી મારી ગઈ


  • Follow us on: