સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે રવિવારે એક અરેરાટીભરી ઘટના બની હતી. સાયણની રેલવે કોલોનીમાં સરગવા તોડવા માટે ઝાડ પર ચડેલા એક અજાણ્યા યુવકનું અચાનક સંતુલન બગડતા તે નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી પટકાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
108 ની ટીમ પહોંચી પણ મોડું થઈ ગયું
સ્થાનિક લોકોએ અકસ્માત જોતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પેરામેડિકલ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવકની તપાસ કરી હતી, પરંતુ કમનસીબે યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. યુવક રેલવે કોલોનીમાં આવેલા સરગવાના ઝાડ પર સરગવો તોડવા ચડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.













