સુરત જિલ્લાના બારડોલી શહેરમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય ઘરકંકાસ અને પારિવારિક ઝઘડા ક્યારેક માણસને મોતને વહાલું કરવા સુધી મજબૂર કરી દેતા હોય છે, આવી જ એક ઘટના બારડોલીના મીંઢોળા નદીના પુલ પર જોવા મળી હતી. જ્યાં એક યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા ભરત માવચે નામના યુવકે પારિવારિક ઝઘડાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હતું. યુવક બારડોલીમાં મીંઢોળા નદીના પુલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં નદીમાં કૂદી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

માછીમાર બન્યો દેવદૂત

યુવક જ્યારે નદીમાં ડૂબી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર એક સ્થાનિક માછીમારે પોતાની જાનની પરવા કર્યા વગર નદીમાં ઝંપલાવ્યું હતું. માછીમારની સમયસૂચકતા અને બહાદુરીને કારણે ભરતને સુરક્ષિત રીતે નદીની બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ બારડોલી ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ અને હોસ્પિટલની કામગીરી

પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, આખરે એવો તો કેવો પારિવારિક વિવાદ હતો જેના કારણે યુવાને આટલું મોટું પગલું ભરવું પડ્યું.


આ પણ વાંચો - Surat News : સુરતમાં શારીરિક અડપલાં કરનાર વેપારી ઝડપાયો, પરિણીતાએ બુમાબૂમ કરતા વેપારી ભાગી છૂટયો હતો


  • Follow us on: