સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત તરણેતર ખાતે ગૌશાળાના લાભાર્થે આયોજિત કરવામાં આવેલા એક ટિકિટ ડ્રો કાર્યક્રમમાં ભારે હોબાળો મચ્યો હતો. આયોજકો દ્વારા લોકોને આકર્ષક ઈનામોની લાલચ આપી ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું, પરંતુ નિર્ધારિત સમય વીતી જવા છતાં ડ્રોની પ્રક્રિયા શરૂ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગૌશાળાના પવિત્ર નામે થઈ રહેલી આ ઢીલને કારણે ઉશ્કેરાયેલા ટોળાએ ધૈર્ય ગુમાવ્યું હતું અને આયોજકો સાથે ઝપાઝપી કરી તેમને મેથીપાક ચખાડ્યો હતો.
ડ્રોમાં ધાંધિયા
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે મુખ્ય આયોજક પૈકીના લગધીર નામના વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. આયોજનમાં ક્યાં ક્ષતિ રહી અથવા કોઈ છેતરપિંડીનો ઈરાદો હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે અન્ય આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ જાગી છે.













