સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી વકરી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગે અભૂતપૂર્વ રણનીતિ ઘડી છે. જિલ્લાની જનતાને ભયમુક્ત વાતાવરણ અને શાંતિનો અનુભવ કરાવવા માટે ખનિજ માફિયાઓ અને બુટલેગરો વિરુદ્ધ એકસાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


ખનિજ માફિયાઓ વિરુદ્ધ આકરું વલણ

ખનિજ ચોરી માટે પંકાયેલા સુરેન્દ્રનગરમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા ખનિજ માફિયાઓનું બીજું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ યાદીમાં 100થી વધુ એવા માફિયાઓના નામ સામેલ છે જેઓ અગાઉ ખનિજ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા આ માફિયાઓને જિલ્લામાંથી તડીપાર કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ખનન પર કાયમી રોક લગાવી શકાય.

બુટલેગરો પર પોલીસની તવાઈ

બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ દારૂના વેપલા સાથે સંકળાયેલા 600 જેટલા બુટલેગરોની યાદી જાહેર કરી છે. પોલીસ વડાએ આ તમામ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપી દીધા છે. પોલીસ અને મહેસૂલ વિભાગે હાથ મિલાવતા હવે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંયુક્ત કાર્યવાહીનો ઉદ્દેશ્ય

જિલ્લા કલેકટર અને પોલીસ વડાના આ સંયુક્ત અભિગમનો મુખ્ય હેતુ જિલ્લામાં ચાલતી ગુંડાતત્વોની દાદાગીરી ખતમ કરવાનો છે. એક તરફ ડેપ્યુટી કલેકટર ખનિજ ચોરોને કાયદાના સકંજામાં લેશે, તો બીજી તરફ પોલીસ તંત્ર બુટલેગરોનો સફાયો કરશે. તંત્રના આ આક્રમક તેવરથી આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીના ગ્રાફમાં મોટો ઘટાડો આવવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Botadના તુરખા ગામે લોહિયાળ ખેલ, સગીરાના અપહરણની ફરિયાદને દાઝમાં રાખી પરિવાર પર હુમલો


  • Follow us on: