રાજકોટ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાય દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ ગુનેગારો અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં અત્યાર સુધીનો સૌથી મોટો દારૂનો જથ્થો પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
ચોટીલા હાઈવે પરથી 1.29 કરોડનો દારૂ જપ્ત
પોલીસ ટીમે ચોટીલા વિસ્તારમાં વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. તલાશી લેતા ટ્રકમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગણતરી કરતા અંદાજે 1.29 કરોડનો દારૂ અને ટ્રક સહિત કુલ 1.46 કરોડનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આટલી મોટી ખેપ પકડાતા દારૂના કાળા કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ શરૂ
રેડ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી શાહિદ સંધી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 મુખ્ય આરોપીઓની પોલીસે ઓળખ કરી છે, અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક
રાજકોટ રેન્જમાં દારૂબંધીના કડક અમલ માટે આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ચોટીલા પંથકમાં થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે, હાઈવે પરથી પસાર થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની બાજ નજર છે. આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો - Surendranagar News: લીંબડી-અમદાવાદ હાઈવે પર કાળમુખી કારનો કહેર, ભલગામડાના યુવકનું મોત