સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ધમધમતી ગેરકાયદે પથ્થરની ખાણ પર ખાણ-ખનીજ વિભાગે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રની આ કડક કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


17 ડમ્પર અને 2 એક્સવેટર મશીનો જપ્ત

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને બાતમી મળી હતી કે, સાયલાના મોટા કેરાળા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. મળેલી બાતમીના આધારે અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પરો અને 2 લોડર/એક્સવેટર મશીનો મળી આવ્યા હતા. ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વાહનો અને મશીનરી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કરોડોની ખનીજચોરીની આશંકા

પ્રાથમિક તપાસમાં આ ખનીજ ચોરીનો આંકડો કરોડોમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. લાંબા સમયથી અહીં પથ્થરોનું ગેરકાયદે ઉત્ખનન કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હતું. તંત્રની આ આકરી કાર્યવાહીથી ખનીજ માફિયાઓના આર્થિક સામ્રાજ્ય પર મોટો પ્રહાર થયો છે.




તંત્રની કડક કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ રેડ દરમિયાન ઝડપાયેલા વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી, ખાણ માલિકો અને આ રેકેટમાં સામેલ શખ્સો વિરૂદ્ધ દંડકીય અને કાયદાકીય પગલાં ભરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surendranagar: લીંબડી બસ સ્ટેન્ડમાં ST ડ્રાઈવરની ઘોર બેદરકારી, મુસાફરના પગ પર બસ ફરી વળી, પગનો કચ્ચરઘાણ નીકળ્યો


  • Follow us on: