સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ મથકની કસ્ટડીમાંથી એક હાઈપ્રોફાઈલ આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. કૃષ્ણ ગૌશાળાના મહંત રામદાસ, જેઓ છેતરપિંડીના ગંભીર આરોપમાં પોલીસ કસ્ટડીમાં હતા, તેઓ પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.
બીમારીનું બહાનું કાઢી ખેલ્યો ખેલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, મહંત રામદાસ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાતા થાનગઢ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી મહંતે અચાનક બીમારીનું બહાનું કાઢ્યું હતું. પોલીસ કંઈ સમજે તે પહેલા જ તકનો લાભ લઈ મહંત પોલીસની નજર ચૂકવી કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હતા.













