આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને તેના પુખ્ત વયના થવા સુધીના વિવિધ તબક્કે આર્થિક સહાય પૂરી પાડીને તેને પગભર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજનાના વ્યાપક પ્રચાર-પ્રસાર અને અસરકારક અમલીકરણના પરિણામે અત્યાર સુધીમાં કુલ ૮,૯૫૧ દીકરીઓને આ યોજના હેઠળ મંજૂરી આદેશો આપીને લાભાન્વિત કરવામાં આવી છે.


દીકરીના જન્મના એક વર્ષની સમયમર્યાદામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેથી એક પણ જરૂરિયાતમંદ દીકરી આ સહાયથી વંચિત ન રહી જાય. વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. આ યોજનાની મુખ્ય જોગવાઈઓ મુજબ, કુટુંબની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની દીકરીઓને આ સહાય મળવાપાત્ર છે, જેના માટે દીકરીના જન્મના એક વર્ષની સમયમર્યાદામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે.

લાભાર્થી દીકરીને કુલ રૂ.1,10,000ની સહાય ત્રણ મહત્વના તબક્કાઓમાં વહેંચીને આપવામાં આવે છે

જેમાં દીકરી જ્યારે પ્રાથમિક શિક્ષણ માટે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે પ્રોત્સાહન તરીકે રૂ.૪,૦૦૦ નો પ્રથમ હપ્તો આપવામાં આવે છે. ત્યારબાદ, દીકરી માધ્યમિક શિક્ષણમાં પ્રવેશે એટલે કે નવમાં ધોરણમાં પ્રવેશ સમયે તેને રૂ.૬,૦૦૦ નો બીજો હપ્તો સહાય પેટે ચૂકવવામાં આવે છે. જ્યારે દીકરી ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે અને પુખ્ત વયની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે અથવા તેના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે હેતુથી રૂ.૧,૦૦,૦૦૦ની માતબર રકમનો છેલ્લો હપ્તો સહાય તરીકે મળવાપાત્ર થાય છે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા અને જરૂરી પુરાવા

યોજનાની અરજી પ્રક્રિયાને અત્યંત સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. પાત્રતા ધરાવતા વાલીઓ http://emahilakalyan.guj.gov.in/ પોર્ટલ પર જઈને જાતે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા ગ્રામ્ય કક્ષાએ VCE-વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર દ્વારા તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મામલતદાર કચેરી ખાતે વિધવા સહાયની કામગીરી સંભાળતા ઓપરેટર પાસે ઓનલાઇન ફોર્મ ભરાવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે દીકરીનો ફોટો, જન્મનું પ્રમાણપત્ર, દીકરી તથા માતા-પિતાના આધાર કાર્ડ, માતા-પિતાના જન્મના પુરાવા અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આ ઉપરાંત રેશનકાર્ડની નકલ, નિયત નમૂના મુજબનું સ્વઘોષણાપત્રક (એકરારનામું) અને લાભાર્થી દીકરી અથવા માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ જોડવી અનિવાર્ય છે. નોંધનીય છે કે આ યોજનાનો લાભ તેવા જ કુટુંબોને મળે છે જેમની વાર્ષિક આવક રૂ. ૨ લાખ કે તેથી ઓછી હોય, જેના માટે સક્ષમ અધિકારીનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.

દીકરીઓના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે સરકાર કટિબદ્ધ

રાજ્ય સરકાર દીકરીઓના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે કટિબદ્ધ છે અને 'વ્હાલી દીકરી યોજના' દ્વારા સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દીકરી એ ઘરની લક્ષ્મી છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ યોજનાનો વધુમાં વધુ પરિવારો લાભ લે તેવો અનુરોધ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. વ્હાલી દીકરી યોજનાના ફોર્મ અને માર્ગદર્શન માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગરનો રૂબરૂ સંપર્ક સાધી શકાય છે. આ ઉપરાંત, યોજના અંગેની અન્ય કોઈ પણ વિગતવાર માહિતી અથવા મૂંઝવણના ઉકેલ માટે કચેરીના હેલ્પલાઇન નંબર ૦૨૭૫૨-૨૮૨૦૫૫ પર કાર્યકારી દિવસો દરમિયાન સંપર્ક સાધી શકાશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવાયું છે.


આ પણ વાંચો : Railway News : વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, આવતીકાલથી બુકિંગ થશે શરૂ


 

  • Follow us on: