ખેડા જિલ્લામાં કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને તસ્કરો હવે બેફામ બની રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ઉત્તરસંડાની હાઈપ્રોફાઈલ ગણાતી 'શાહી કુટીર સોસાયટી'માં વહેલી પરોઢે તસ્કરોએ ખાતર પાડવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. નવાઈની વાત તો એ છે કે, આ એ જ સોસાયટી છે, જ્યાં વડતાલ પોલીસ મથકના PI અને ખેડા LCBના PSI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વસવાટ કરે છે.


ફેન્સિંગ તોડીને સોસાયટીમાં પ્રવેશ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ઉત્તરસંડા શહેરની શાહી કુટીર સોસાયટીમાં વહેલી સવારે તસ્કરો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પર લાગેલી સુરક્ષા ફેન્સિંગ તોડીને અંદર ઘૂસ્યા હતા. તસ્કરોએ સોસાયટીના ઘર નંબર 112 અને 125ને નિશાન બનાવ્યા હતા. જોકે, જાગૃત રહીશો અથવા અન્ય કોઈ કારણોસર ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તસ્કરોની હિંમત જોઈને રહીશો ફફડી ઉઠ્યા છે.

CCTVમાં કેદ થઈ ચોરોની હિલચાલ

ચોરી કરવા આવેલા તસ્કરો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં તસ્કરો બિન્દાસ્ત રીતે હિલચાલ કરતા નજરે પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક જ સપ્તાહમાં આ સોસાયટીમાં તસ્કરોએ બીજી વાર પગપેસારો કર્યો છે. પોલીસ અધિકારીઓના નિવાસસ્થાન હોવા છતાં તસ્કરોની આ હિંમત પોલીસ તંત્ર માટે ખુલ્લા પડકાર સમાન છે.

રહીશોમાં રોષ અને ડર

ચોરીના પ્રયાસો છતાં યોગ્ય પોલીસ ફરિયાદ ન થતી હોવાથી તસ્કરોનો રસ્તો સાફ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસના નાક નીચે જ તસ્કરો હાથફેરો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે હવે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ વધારશે કે કેમ તે જોવાનું રહ્યું.


આ પણ વાંચો - Kheda: સેવાલિયામાં ખનીજ માફિયાઓ પર ગાંધીનગરથી દરોડો, ગેરકાયદે માઈન્સ પરથી કરોડોના મશીનો જપ્ત


  • Follow us on: