વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ લોકઅપમાં રહેલા એક આરોપીએ વહેલી સવારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે, તો બીજી તરફ મૃતકના પરિવારે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
હુડીની દોરી વડે આત્મહત્યા
ઘટનાની મળતી વિગતો અનુસાર, જીવન નગર વુડાના મકાનમાં રહેતા રમેશભાઈ છગનભાઈ વસાવાની તેમની પત્ની સાથેની ઘરકંકાસ અને બોલાચાલીના મામલે પોલીસે અટકાયત કરી હતી. DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, રમેશ વસાવા વિરૂદ્ધ તેમની પત્નીની અરજીના આધારે BNS 170 મુજબ કાર્યવાહી કરી તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. વહેલી સવારે આશરે 6 વાગ્યાની આસપાસ, રમેશભાઈએ પોતાની હુડી (સ્વેટર)ની દોરીનો ઉપયોગ કરી ટોયલેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
"આ આપઘાત નહીં, હત્યા છે"
આ ઘટના બાદ મૃતકની બહેન લક્ષ્મીબેન વસાવાએ પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રમેશની પત્નીનું અન્ય કોઈ સાથે અફેર હતું અને પોલીસે રમેશને લોકઅપમાં ઢોર માર માર્યો છે. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ આત્મહત્યા નથી પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા છે.
પોલીસનો બચાવ અને તપાસ
સામે પક્ષે DCP અભિષેક ગુપ્તાએ માર મારવાના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, લોકઅપમાં અન્ય ત્રણ આરોપીઓ પણ હાજર હતા. મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે અને જો તેમાં કોઈ શંકાસ્પદ ઈજાના નિશાન જણાશે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલે કલમ BNS 176 મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Vadodara News: બોગસ બાનાખત કેસમાં બિલ્ડર ભૂપેન્દ્ર શાહની ધરપકડ