વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ પલ્સર બાઇક ચાલકે ફરજ પર રહેલા મહિલા પોલીસકર્મીને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે.


ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની મળતી માહિતી અનુસાર, મહિલા પોલીસ કર્મચારી જ્યારે ખંડેરાવ માર્કેટ પાસે હાજર હતા, ત્યારે એક પલ્સર બાઇક લઈને પસાર થઈ રહેલા યુવાને તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસકર્મી રોડ પર પટકાયા હતા અને તેમને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બાઇક ચાલક પોલીસના હવાલે

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ ભાગવાની કોશિશ કરી રહેલા પલ્સર ચાલક યુવાનને ઝડપી લીધો હતો. લોકોએ તેને પકડીને તાત્કાલિક નવાપુરા પોલીસ મથકની ટીમને સોંપી દીધો હતો. પોલીસે બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં વાહનોની અનિયંત્રિત ગતિને કારણે અવારનવાર આવા બનાવો બની રહ્યા છે, ત્યારે આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી સામે સવાલ ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Vadodara: ગોત્રી હોસ્પિટલે મ્યુકરમાઈકોસીસના દર્દીની આંખ ગુમાવતા બચાવી, ચહેરા પર એક પણ ટાંકા વગર સફળ ઓપરેશન


  • Follow us on: