વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાડા ગામે જુગાર ધામ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ અને સ્થાનિક ટોળા વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો છે. ગામની નહેર પાસે ખુલ્લામાં જુગાર રમતા શખ્સોને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ હુમલો કરી ઝપાઝપી કરતા ધરપકડ કરાયેલા 6 જુગારીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
નહેર પાસે ચાલતો હતો જુગાર
ઘટનાની મળતી માહિતી અનુસાર, કરજણ પોલીસને બાતમી મળી હતી કે, પિંગલવાડા ગામની નવીનગરી જવાની નહેર પાસે ખુલ્લામાં હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે રેડ કરીને સ્થળ પરથી 8 જુગારીઓને ઝડપી લીધા હતા. જોકે, પોલીસની આ કાર્યવાહી દરમિયાન અચાનક ગામના લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા.
પોલીસ સાથે ઝપાઝપી અને આરોપીઓ ફરાર
પોલીસ જ્યારે આરોપીઓને લઈ જઈ રહી હતી, ત્યારે ટોળાએ પોલીસ કામગીરીમાં રૂકાવટ ઉભી કરી હતી. ટોળાએ પોલીસ જવાનો સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી, જેનો લાભ ઉઠાવીને ઝડપાયેલા 8 પૈકી 6 જુગારીઓ પોલીસની પકડમાંથી ભાગી છૂટ્યા હતા. સદનસીબે આ ઝપાઝપીમાં કોઈ પોલીસ કર્મચારીને ગંભીર જાનહાનિ પહોંચી ન હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી.
પોલીસની કડક કાર્યવાહી
આ ઘટનાને ગંભીરતાથી લઈને કરજણ પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે. પોલીસે સ્થળ પરથી 2 જુગારીઓ સહિત પોલીસ સાથે ઝપાઝપી કરનાર અન્ય 7 ઇસમોની ધરપકડ કરી લીધી છે. કરજણ પોલીસે જુગાર ધારા ઉપરાંત પોલીસની કામગીરીમાં રૂકાવટ અને હુમલાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા 6 જુગારીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Vadodara માં મોલમાં થયેલા અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, FSL ની ટીમ મેદાને, જાણો શું કહ્યું...