સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ બેડાને હચમચાવી દે તેવી એક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આશાસ્પદ અને તેજસ્વી મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી પરિવાર અને પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયો છે.
તાજેતરમાં જ પાસ કરી હતી PSIની પરીક્ષા
મૃતક પ્રિયંકા પ્રજાપતિ માત્ર 27 વર્ષના હતા અને ખૂબ જ મહેનતુ હતા. તેમણે તાજેતરમાં જ PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચ અધિકારી બનવાનું સપનું સાકાર થવાના આરે હતું, ત્યારે જ તેમણે આવું અંતિમ પગલું ભરતા અનેક સવાલો ઊભા થયા છે. સફળતાના શિખરે હોવા છતાં તેમણે શા માટે આત્મહત્યા કરી તે બાબત ચર્ચાનો વિષય બની છે.
આત્મહત્યાનું કારણ અકબંધ
ઘટનાની મળતી માહિતી અનુસાર, પ્રિયંકાએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે, ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે, કેમ અને આત્મહત્યા પાછળ અંગત કારણ જવાબદાર છે કે કામનું ભારણ, તે હજુ સુધી જાણી શકાયું નથી.
બાપોદ પોલીસે તપાસ હાથ ધરી
આ મામલે બાપોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે. પ્રિયંકાના સાથી કર્મચારીઓ અને પરિવારજનોની પૂછપરછ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - Vadodara News: શિનોરમાં ધૂળેટીના પર્વને લઈ નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ