રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા હનુમાન ધાર પાછળની એક વાડીમાંથી એક પરપ્રાંતીય મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને આ અંગે વાકેફ કરવામાં આવી હતી.


મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં ચારિત્ર્યની શંકાએ હત્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૂળ મધ્યપ્રદેશનો એક શ્રમિક પરિવાર અહીં વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો હતો. મૃતક મહિલાની ઓળખ ગુંદલીબેન સોલંકી તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ અને પૂછપરછ મુજબ, ગુંદલીબેનને અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાની શંકા તેનો પતિ રાખતો હતો. આ બાબતને લઈને અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા.

જીવ બચાવવા ઓરડીમાંથી ભાગેલી પત્નીને મોતે ઘાટ ઉતારી

રવિવારની રાત્રે પણ આડા સંબંધોની શંકાને લઈને ઓરડીમાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો હતો કે, પતિ હિંસક બન્યો હતો. ગુંદલીબેન પોતાનો જીવ બચાવવા માટે પહેલા રૂમ બંધ કરીને અંદર ભરાઈ ગયા હતા અને ત્યારબાદ તક મળતા જ બાજુની વાડી તરફ જીવ બચાવવા દોડ્યા હતા. જોકે, ક્રૂર પતિએ તેમની પાછળ દોડીને વાડીની અંદર જ તેમની કરપીણ હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયો હતો.


પોલીસનો કાફલો ઘટના સ્થળે

ઘટનાની ગંભીરતાને જોતા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી. એસ. ગઢવી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને સૌપ્રથમ ગોંડલ હોસ્પિટલ અને ત્યારબાદ ઊંડાણપૂર્વકની તપાસ માટે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

હત્યારા પતિને ઝડપી પાડવા પોલીસના ચક્રો ગતિમાન

પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. ગોંડલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી પતિને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને તેને ટૂંક સમયમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે, તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો - Rajkotમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, તંત્ર એક્શન સફાળું જાગ્યું


  • Follow us on: