રાજકોટ જીલ્લાના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બનેલી કરોડો રૂપિયાની સનસનાટીભર્યા લૂંટની ઘટનામાં પોલીસ તપાસ વેગવંતી બની છે. શાપરમાં રહેતા વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના જ ઘરમાં બંધક બનાવીને તસ્કરોએ લૂંટ ચલાવી હતી. આ હાઈપ્રોફાઈલ લૂંટ કેસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેણે સમગ્ર પોલીસ બેડાને દોડતું કરી દીધું છે.


આરોપીઓ પાંચ નહીં પરંતુ કુલ 6 જણા હતા

પોલીસની પ્રાથમિક તપાસ અને આસપાસના સીસીટીવી ફૂટેજના વિશ્લેષણ બાદ મોટો ધડાકો થયો છે કે, લૂંટ ચલાવનાર આરોપીઓ પાંચ નહીં પરંતુ કુલ 6 જણા હતા. આ લૂંટારૂઓ ગુનાને અંજામ આપ્યા બાદ બે બાઇક પર સવાર થઈને નાસી છૂટ્યા હતા.

ગોંડલ ચોકડી સુધી બાઇક પર આવ્યા

સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂઓ બાઇક પર એક મોટી અને શંકાસ્પદ સૂટકેસ લઈને ભાગતા સ્પષ્ટપણે કેદ થયા છે. આ ટોળકી શાપરથી ભાગીને રાજકોટની ગોંડલ ચોકડી સુધી બાઇક પર સવાર થઈને આવી હોવાના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.

પોલીસ એક્શન

કરોડોની લૂંટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ 15 થી વધુ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો હાલમાં ટેકનિકલ સોર્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને રૂટના સીસીટીવીના આધારે આરોપીઓનું પગેરું દબાવી રહી છે.

લૂંટ આયોજનબદ્ધ હોવાનું પોલીસ માની રહી છે.

વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને હથિયારના જોરે ડરાવી, બંધક બનાવીને આચરવામાં આવેલી આ લૂંટ આયોજનબદ્ધ હોવાનું પોલીસ માની રહી છે. કોઈ ભેદુ અથવા કોઈ નજીકના જાણકારે લૂંટારૂઓને ટીપ આપી હોવાની શંકાના આધારે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ગોંડલ ચોકડીથી લૂંટારૂઓ અન્ય કોઈ વાહનમાં બેસીને અન્ય જિલ્લા કે રાજ્ય બહાર ભાગી ગયા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ ગેંગને ઝડપી લેવામાં આવશે તેવો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?

  • Follow us on: