પોતાના ભાઇ સાથે ચાલી રહેલા મિલકત વિવાદમાં પોતાની ભત્રીજીનું અપહરણ કરનારી ફોઇ બા રીમા હાલ પોલીસની ગીરફ્તમાં છે ત્યારે તેને અપહરણમાં મદદ કરનારો વકીલ રાજવીરસિંહ ઝાલા પણ પોલીસના હાથે પકડાઇ ગયો છે. ધરપકડથી બચવા આરોપીએ ઝેરી દવા પીધી હતી.


પોલીસે શું કહ્યું

ક્રાઈમ બ્રાન્ચ ACP ભરત બસીયાએ આ મામલે જણાવ્યું હતું કે અમારી પાસે જ્યારે ફરિયાદ આવી ત્યારે જ અમને લાગ્યું હતું કે બાળકીની ફોઇ રીમાબેનનું નિવેદન શંકાસ્પદ છે. ફોઇની તપાસ કરવામાં આવતા તેને મદદ કરનારા વકીલનું નામ ખુલ્યું હતું. તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે રાજવીરસિંહ સાથે ફોઇએ રકમ નક્કી કરી હતી અને રીમાબેનને તેમના ભાઈ રિયાઝ સાથે વિવાદ હતો . જમીન મામલે વિવાદ થતાં તેણે અપહરણનો પ્લાન ઘડ્યો હતો.

રાજવીર મુખ્ય ભેજાબાજ

પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર અપહરણનો મુખ્ય ભેજાબાજ આરોપી એડવોકેટ રાજવીરસિંહ ઝાલા છે અને ધરપકડથી બચવા માટે આરોપી વકીલ રાજવીરસિંહે ઇંદોરમાં ઝેરી દવા ગટગટાવી હતી. હવે તે પોલીસની પકડમાં આવી ગયો છે જેથી આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.

મિલકતમાં ભાગ પડાવવા તરકટ રચ્યું

 ઉલ્લેખનિય છે કે રાજકોટમાંથી ભત્રીજી સાથે તેની ફોઇ રીમા માખાણી ગુમ થયા હતા અને ત્યારબાદ પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. પોલીસે ફોઇ રીમાની કડક પુછપરછ કરતાં રીમા માખાણીએ તેના ભાઇ રિયાઝ માખાણી પાસેથી મિલકતમાં ભાગ પડાવવા માટે આ તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

રાજવીરે ચાકૂની અણીએ અપહરણ કરેલું

ફોઇએ આ મામલે વકીલ રાજવીરને મળી હતી અને રાજવીરે સમગ્ર અપહરણનો પ્લાન ઘડ્યો હતો. કાવતરા પ્રમાણે રીમા ભત્રીજીને લઇને નિકળી હતી ત્યારે જ રાજવીર બુકાની બાંધીને તેની પાસે આવ્યો હતો અને ચાકૂની અણીએ બંનેનું અપહરણ કર્યું હતું. તેઓ ત્યારબાદ વિવિધ સ્થળો પર ફર્યા હતા. તે બંને કારમાં ભુજ જઇને રાજસ્થાન તરફ ગયા હતા અને ત્યાંથી તેઓ ઇન્દોર ગયા હતા. ઇન્દોરમાં રીમા ભત્રીજીને સાથે રાખીને રહી હતી પણ રાજવીર જતો રહ્યો હતો. 

  • Follow us on: