મુળ રાજકોટની પણ મુંબઇમાં રહેતી એક્ટ્રેસ અને મોડેલ ક્રિસ્ટીના અમૃતિયાએ ફેસબુક પર વીડિયો અપલોડ કરીને રાજકોટ શહેર પોલીસ પર તથા પોતાના કૌટુંબીક ભાઈ તેમજ કૌટુંબિક કાકા સહિતના પરિવારજનો ઉપર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત પોલીસ સમક્ષ ન્યાયની માગણી પણ કરી હતી.


ક્રિસ્ટીના અમૃતિયા દ્વારા વીડિયો અપલોડ કરાયો

મુંબઇમાં રહેતી મોડેલ અભિનેત્રી ક્રિસ્ટીના અમૃતિયા અને તેની માતા અંજુબેને સોશિયલ મીડિયામાં જાહેર કરેલા પોતાના વીડિયોમાં ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે તેમના પિતાના નિધન પછી તે ઘણી તકલીફો અનુભવી રહી છે. તેના પિતાના પરિવારે તમામ સંપત્તિ લઇ લીધી છે પણ તેણે આ મામલે ઝઘડો કરવાના બદલે કાયદાનો રસ્તો લીધો છે.

હુમલો કર્યો પણ પોલીસે કોઇ કાર્યવાહી ના કરી

વીડિયોમાં આગળ તે જણાવે છે કે મુંબઇમાં રહે છે પણ તેની માતા રાજકોટમાં એકલી રહે છે. તેના મોટા પપ્પા બિપીન અમૃતિયા તથા ભાઇ આનંદ અમૃતિયા અે એક અન્ય શખ્સે તેની માતા પર હુમલો કર્યો હતો અને જ્યારે તેમણે પોલીસને બોલાવી ત્યારે પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી અને તેમની ફરિયાદ પણ સાંભળી ન હતી. તેણે વીડિયોમાં આરોપ લગાવ્યો કે તેણે પોલીસ કમિશનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઇ એક્શન લેવાયું ન હતું.

કુટુંબીજનોએ આપી સફાઇ

હવે આ મુદ્દે ક્રિષ્ટીનાના કૌટુંબીક ભાઈ આનંદ અમૃતિયા તેમજ કૌટુંબીક કાકા દિનેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં ક્રિષ્ટીના અમૃતિયાના કૌટુંબીક કાકા તેમજ કૌટુંબિક ભાઈ દ્વારા ક્રિષ્ટીના તેમજ તેની માતા અંજુ અમૃતિયા દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં આનંદ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્રિષ્ટીનાના પિતા તેમજ મારા કૌટુંબિક કાકા પરેશ અમૃતિયા દ્વારા તેમની તમામ મિલકતની એક વીલ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત તેમણે તેમની જે કંઈ પણ સંપત્તિ હતી તે મારા નામ ઉપર કરી છે.

કૌંટુબીક સગાઓનો ઇન્કાર

મારા કાકી અંજુ અમૃતિયા તેમના પતિ પરેશ અમૃતિયાથી અલગ રહેતા હતા. તેમજ જુદા રહેતા હોવાના કારણે મારા કાકા વિરુદ્ધ પોતાનું તેમજ પોતાની દીકરી ક્રિસ્ટીનાના ભરણપોષણ મામલે કોર્ટમાં દાવો પણ દાખલ કરેલો હતો. ક્રિષ્ટીના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. તે મારું ઘર છે નહીં મારા કાકાએ નોમીનીમાં મારું નામ લખ્યું હતું. મારા કાકી દ્વારા જે ઘરેણા બાબતેના આક્ષેપો કરવામાં આવ્યા છે તે પણ પાયા વિહોણા છે. મારી પાસે કોઈપણ જાતના સોનાના દાગીના નથી. મારા કાકાની કાર જે નોમીનીમાં મારું નામ હતું તે પણ હાલ તેમની પાસે છે. અમે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું. દિનેશ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, જે વડીલો ઉપાર્જિત 12 વીઘા જમીનની વાત છે. તે મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.


  • Follow us on: