રાજકોટ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલી રેડ બાદ પોલીસ કમિશનર વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર SMCની ટીમે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં સપાટો બોલાવીને રૂપિયા 70 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લીધો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ સફળ રેડના કારણે રાજકોટ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેના પગલે હવે કાયદાનો કોરડો વિંઝાયો છે.
કુવાડવા પોલીસ સ્ટેશનના PI વસાવા સસ્પેન્ડ
કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાંથી આટલી મોટી માત્રામાં ગેરકાયદે દારૂનો જથ્થો મળી આવતા જ ઉચ્ચ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી અને સ્થાનિક સ્તરે બાતમી મેળવવામાં નિષ્ફળ રહેવા બદલ કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. SMCની આ કડક કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરો તેમજ પોલીસ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.













