સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં સામાન્ય બાબતે પહેલાં ઠપકો આપ્યા બાદ બોલાચાલી થતા બે ભાઇઓ દ્વારા પરિવાર પર છરી અને પાઇપ વડે હુમલો કરાયો હતો જેમા એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ અને બે મહીલાઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડયા હતા. યુવકે યુવતીને પુછયું હતું કે તું સુરેન્દ્રનગર રોજ જાય છે ? અને આ સવાલ બાબતે પહેલા ઠપકો અને બાદમા માતાએ યુવકને જાહેરમાં લાફો ઝીંકી દેતાં આ હુમલો કરાયો હતો.


 તું સુરેન્દ્રનગર રોજ જાય છે ?

 મળેલી માહિતી મુજબ ધ્રાંગધ્રામાં તાલુકા સ્કુલ પાસે કલ્પેશભાઇ પારેખ નો પરીવાર રહે છે એમની દિકરી ઘરની પાસે દૂધ લેવા ગઇ તે સમયે બજારમા ઉભેલા ઉદય વ્યાસે યુવતીને ઉભી રાખીને પુછ્યું હતું કે તું સુરેન્દ્રનગર રોજ જાય છે ? સામે યુવતીએ જવાબ આપ્યો હતો કે તારે શુ કામ છે અને યુવતીએ પોતાના ઘેર જઇ તેના પિતા કલ્પેશભાઇને આ બાબતે જાણ કરી હતી

ઉદયને યુવતીની માતાએ લાફો માર્યો

આ બાબતે કલ્પેશભાઇએ ઉદય વ્યાસ ને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ આ યુવતી અને એની માતા નીશાબેન બજારમા ગયા હતાં ત્યારે બજારમા ઉદય વ્યાસ અને એનો ભાઇ પાર્થિવ વ્યાસ ઉભા હતા. તે સમયે નીશાબેન ઉદય પાસે ગયા હતા અને તું મારી દિકરનું કેમ નામ લે છે તેમ કહીને લાફો માર્યો હતો. જેથી માથાકૂટ થઇ હતી

ઉદય અને તેનો ભાઇ ચાકૂ અને પાઇપ લઇને તૂટી પડ્યા

આ માથાકૂટ વખતે કલ્પેશભાઇ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે ઉદય અને તેનો ભાઇ છરી તથા પાઇપ લઇને માતા પિતા તથા દિકરી પર તૂટી પડ્યો હતો. બંને ભાઇઓએ પિતાને છરીના ઘા ઝીંક્યા હતા અને માતા દિકરીને પણ છરીના ઘા માર્યા હતા.

હોસ્પિટલમાં કલ્પેશભાઇનું મોત

ઘટનાના પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં બંને આરોપી જીવલેણ હુમલો કરીને સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. લોકોએ ગંભીર રીતે ઇજા પામેલા ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવારમાં કલ્પેશભાઇનું મોત થયું હતું જ્યારે માતા દિકરીને ઇજાઓ થતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા

પોલીસે બંને આરોપીને ઝડપી લીધા

ભરબજારમાં બનલા હત્યાના બનાવથી ચારેબાજુ સન્નાટો છવાઇ ગયો હતો. મામલાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ કરીને ભાગી છુટેલા બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

ઠપકો અને થપ્પડના કારણે હત્યા

 પોલીસે બંને આરોપીની પુછપરછ કરતાં કલ્પેશભાઇ એ આપેલ ઠપકો અને માતાએ મારેલ થપ્પડ ના કારણે બંને ભાઇઓ ઉશ્કેરાઇ જઇને હુમલો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને માતા નીશાબેન ની ફરીયાદના આધારે બંને ભાઇઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હાલ માતા અને પુત્રી કિષ્નાની તબિયત સુધારા પર છે

સામાન્ય બાબતમાં હત્યા

જો કે સામાન્ય બાબતે થયેલી માથાકૂટ ગંભીર કહી શકાય તેવી હત્યામાં પરિણમતા સન્નાટો છવાઇ ગયો હતો. યુવા વર્ગ નાની બાબતોમાં ઉગ્ર બનીને હુમલો કરે છે તેવા બનાવો હવે સમાજમાં વધી રહ્યા છે.


  • Follow us on: