વડોદરાના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરીના દૂષણે વધુ એક માસૂમનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અટલાદરામાં રહેતા 55 વર્ષીય રાજુભાઈ નામના વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજુભાઈના મોતના પગલે પરિવારમાં ભારે આક્રોશ અને માતમનો માહોલ છવાઈ ગયો છે. તેમના પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
રૂપિયા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી અને સુસાઇડ નોટ
મૃતક રાજુભાઈના પરિવારે આક્ષેપ કર્યો છે કે, વ્યાજખોરોના ત્રાસના કારણે જ તેમણે આ અંતિમ પગલું ભર્યું છે. આત્મહત્યા કરતા પહેલાં રાજુભાઈએ એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં મિહિર રામલાવત નામના વ્યાજખોર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, રાજુભાઈએ લીધેલા તમામ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં મિહિર રામલાવત દ્વારા સતત પઠાણી ઉઘરાણી અને નાણાંની માંગણી ચાલુ રાખવામાં આવી હતી.













