વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી પ્રતિષ્ઠિત વેપારીને બદનામ કરી ખંડણી માંગવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેસબુક પર ખોટી પોસ્ટ વાયરલ કરી રૂપિયા50 હજાની માંગણી કરવા બદલ બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


આરીફ સૈયદ' નામના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મુકવામાં આવી

પોલીસ રેકોર્ડ પરથી મળતી વિગતો અનુસાર, મદન ઝાપા રોડ ખાતે 'ઓનેસ્ટ સાયકલ' નામની દુકાન ધરાવતા અને હઝ-ઉમરાહનું કામકાજ કરતા 45વર્ષીય વેપારી ઇસ્માઇલ મોહમદહુસેન તૈયડીવાલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે, ગત 14 જૂન 2026ના રોજ 'આરીફ સૈયદ' નામના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટમાં ફરિયાદી ઇસ્માઇલભાઈ પર હાજીઓના હજના લાખો રૂપિયા ખાઈ જવાનો અને કૌભાંડોમાં સંડોવાયેલા હોવાના ગંભીર અને પાયાવિહોણા આક્ષેપો કરીને બદનામ કરવામાં આવ્યા હતા.

બંને શખ્સોએ ફરિયાદી ઇસ્માઇલભાઈને રોકીને ધમકી આપી

ત્યારબાદ, 17 જૂન ૨૦૨૬ના રોજ સાંજે આશરે સવા પાંચ વાગ્યે જ્યારે ફરિયાદી મચ્છીપીઠ ખાતે આવેલી કાગદીવાડ મસ્જીદમાં નમાજ પઢવા ગયા હતા, ત્યારે ત્યાં ફેસબુક પોસ્ટ કરનાર આરોપી આરીફ કાદરી સૈયદ અને તેનો મિત્ર સદામ હુસેન ઉર્ફે લગડો યુશુફ શેખ હાજર હતા. આ બંને શખ્સોએ ફરિયાદી ઇસ્માઇલભાઈને રોકીને ધમકી આપી હતી કે, 'જો તું અમને રૂપિયા 50 હજાર નહીં આપે તો આવી જ બીજી પોસ્ટો વાયરલ કરીને તને બધે જ બદનામ કરી દઈશું'.

પોલીસ તપાસ શરુ

આ સાથે જ બંને આરોપીઓએ જાહેરમાં ગાળાગાળી કરી ગુનાહિત ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ કારેલીબાગ પોલીસ મથકે 19 જૂન 2026ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ (BNS) ની કલમ ૩૦૮(૨), ૨૬(b), અને ૫૪ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

  • Follow us on: