સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની સંશોધિત ત્રિ-ભાષા નીતિ (Three-Language Policy) ને લઈને દેશની સર્વોચ્ચ અદાલતમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે CBSE ના આ નવા ફ્રેમવર્કને પડકારતી અરજી પર વચગાળાની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે જણાવ્યું છે કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે જુલાઈ મહિનામાં મુખ્ય કેસની સાથે આના પર વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે.


આ કેસની સુનાવણી દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યા કાંતની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તા પક્ષ તરફથી વચગાળાની રાહત આપવાની માંગ કરવામાં આવી હતી, જેને નકારી કાઢતા સીજેઆઈ (CJI) એ કડક શબ્દોમાં કહ્યું કે, "વચગાળાની રાહત પર એક પણ શબ્દ નહીં. આ મામલાને વિગતવાર સાંભળવામાં આવ્યો છે અને હવે તેને જુલાઈમાં મુખ્ય કેસની સાથે લિસ્ટ કરવામાં આવશે." આ ઉપરાંત સીજેઆઈએ અરજીકર્તા સંગઠનના નામ પર પણ ટિપ્પણી કરી હતી.

શું છે સમગ્ર વિવાદ?

આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી 'ફ્રેન્ડ ઓફ પીપલ ફોર એક્ટિવ ડેમોક્રેસી' (Friend of People for Active Democracy) નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં CBSE દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 9 માં લાગુ કરવામાં આવી રહેલી નવી સંશોધિત ત્રિ-ભાષા નીતિનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને તેને પડકારવામાં આવી છે.

જુલાઈમાં થનારી સુનાવણી બાદ જ અંતિમ નિર્ણય લેવાશે

અરજીકર્તા સંગઠનનું માનવું છે કે આ નીતિના અમલીકરણથી વિદ્યાર્થીઓ પર વધારાનું ભારણ આવી શકે છે. જો કે, હવે સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત ન આપતા સ્પષ્ટ કર્યું છે કે જુલાઈમાં થનારી આગામી સુનાવણી બાદ જ આ નીતિના ભવિષ્ય અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાશે. ત્યાં સુધી બોર્ડના આ નવા શૈક્ષણિક ફ્રેમવર્ક પર કોઈ રોક રહેશે નહીં.


આ પણ વાંચો:Afghanistanમાં સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ! તાલિબાનનો આદેશ નહીં માનો તો નોકરી જશે અને જેલ પણ થશે

  • Follow us on: