ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. 'સન ઓફ સરદાર', 'આર...રાજકુમાર', 'જય હો' જેવી ફિલ્મોમાં કામ કરનારા પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું નિધન થયું છે. આ અભિનેતાએ 23 મેની રાત્રે દુનિયાને અલવિદા કહ્યું છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવનાર મુકુલ દેવ એક સમયે પાઇલટ હતા. તેમના બોલીવુડનો પ્રવેશ પણ ખૂબ રસપ્રદ રહ્યો છે.
પાઇલટમાંથી અભિનય કારકિર્દીમાં પ્રવેશ
ફિલ્મ અભિનેતા મુકુલ દેવે 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના અચાનક નિધનથી સમગ્ર બોલીવુડમાં શોકની લહેર જોવા મળી રહી છે. મુકુલ દેવ ટીવી અને ફિલ્મનો એક પ્રખ્યાત ચહેરો હતો. જેમણે પોતાના લાંબા કરિયરમાં ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેતા બનતા પહેલા તે પાઇલટ હતા. તેમણે કોમર્શિયલ પાઇલટ તરીકે તાલીમ પૂર્ણ કરી હતી. પણ તેને શરૂઆતથી જ અભિનયમાં રસ હતો. એટલા માટે તે ગ્લેમરસ દુનિયા તરફ વળ્યા હતા. મુકુલ દેવની અભિનય કારકિર્દીની શરૂઆત 1996માં ટીવી સીરિયલ 'મુમકીન'થી થઈ હતી. આ પછી, તે દૂરદર્શનના કોમેડી શો 'એક સે બઢકર એક' માં દેખાયો અને નાના પડદા પર એક ખાસ ઓળખ બનાવી. ત્યારબાદ અભિનેતાએ 'કહીં દિયા જલે કહીં જિયા' અને 'કહાની ઘર ઘર કી' સહિત ઘણી સીરિયલ્સમાં કામ કર્યુ હતુ.
ટીવી બાદ બોલીવુડમાં એન્ટ્રી
ટીવી પર ખ્યાતિ મેળવ્યા પછી, મુકુલે ફિલ્મ 'દસ્તક' દ્વારા મોટા પડદા પર પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમણે એસીપી રોહિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને 'યમલા પગલા દીવાના', 'સન ઓફ સરદાર' અને 'આર રાજકુમાર' જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી. મુકુલે ફિયર ફેક્ટર ઈન્ડિયા સીઝન-1 પણ હોસ્ટ કરી હતી.