બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પાર્થો ઘોષનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમના નિધનના સમાચાર સામે આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પાર્થો ઘોષના નિધનનું કારણ હૃદય સંબંધિત તકલીફો હોવાનું સામે આવ્યું છે, તેમણે 9 જૂન સોમવારના રોજ 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
અભિનેત્રીએ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી
અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તાએ ફિલ્મ નિર્માતાના નિધનની પુષ્ટિ કરી છે. આ સાથે તેમણે તેમના નિધન પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તમને જણાવી દઈએ કે પાર્થો ઘોષ મડ આઈલેન્ડમાં રહેતા હતા. અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તાએ પીઢ ફિલ્મ નિર્માતા પાર્થો ઘોષના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, શબ્દોમાં વર્ણવી ન શકું તેવી દુ:ખી છું. આજે આપણે એક અસાધારણ પ્રતિભા, દૂરંદેશી દિગ્દર્શક અને એક દયાળુ વ્યક્તિને ગુમાવ્યા છે. પાર્થો દા, તમે હંમેશા પડદા પર જે જાદુ સર્જ્યો છે તેના માટે તમને યાદ કરવામાં આવશે.
પાર્થો ઘોષની ફિલ્મ કારકિર્દી
ફિલ્મ નિર્માતા પાર્થો ઘોષે 1985માં સહાયક દિગ્દર્શક તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનું પહેલું દિગ્દર્શન '100 ડેઝ' હતું જે 1991માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતા. તે તમિલ ક્લાસિક ફિલ્મ 'નૂરવથુ નાલ' ની હિન્દી રિમેક હતી જે એક ઇટાલિયન કહાની પરથી બનાવવામાં આવી હતી. '100 ડેઝ'ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
ઘણી સુપરસ્ટાર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું
તમને જણાવી દઈએ કે પાર્થો ઘોષે તેમના સમગ્ર કારકિર્દીમાં ઘણા સુપરસ્ટારની ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મોમાં દિવ્યા ભારતીની 'ગીત' (1992), મિથુન ચક્રવર્તીની 'દલાલ' (1993) અને નાના પાટેકર, જેકી શ્રોફ અને મનીષા કોઈરાલા સ્ટાર 'અગ્નિ સાક્ષી' હતી જે 1996માં રિલીઝ થઈ હતી અને ખૂબ જ હિટ સાબિત થઈ હતી.પાર્થો ઘોષે 15થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ 'મૌસમ ઈકરાર કે દો પલ પ્યાર કે' હતી જે 2018 માં રિલીઝ થઈ હતી.