બોક્સ ઓફિસ પર આજે અક્ષય કુમારની હાઉસફુલ-5 ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. હાઉસફુલ-5 ફિલ્મે રિલીઝ પહેલા અનેક રેકોર્ડ તોડ્યા. ફિલ્મના એડવાન્સ બુકિંગ પણ હાઉસફુલ થઈ જતા કહી શકાય કે ફિલ્મ બોકસ ઓફિસ પર જોરદાર કલેકશન કરશે. અત્યારે બિગસ્ટારની સિકવલ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. જો કે આગામી સમયમાં સિનેમાઘરમાં ફિલ્મ રસિયાઓને બિગ સ્ટારની હોરર ફિલ્મો જોવા મળશે. કાજોલથી લઈને બાહુબલી ફેમ એકટર પ્રભાસ હોરર ફિલ્મથી લોકોને ડરાવવા આવી રહ્યા છે.
ફિલ્મોના ટ્રેન્ડ બદલાશે
આગામી સમયમાં ફિલ્મોના ટ્રેન્ડ બદલાશે અને સિકવલના બદલે હોરર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. લોકોને હિસ્ટોરિકલ, રોમાંસ, કોમેડી અને એકસન ફિલ્મોની જેમ હોરર ફિલ્મો પણ એટલી જ પસંદ છે. હોલીવુડ ફિલ્મ હોય કે પછી ગુજરાતી હોરર ફિલ્મ સારી પટકથા અને સારી રજૂઆત હોય તો દર્શકો ચોક્કસપણે ફિલ્મ જોવા સિનેમાઘરમાં જાય છે.
કાજોલની ફિલ્મ 'મા' : સામાન્ય રીતે કાજોલ ગંભીર અને કોમેડી રોલમાં જોવા મળે છે. જો કે આ ફિલ્મથી લોકો કાજોલના નવા હોરર અવતારને સિનેમાઘરમાં જોશે. ફિલ્મ 'મા' એક ભાવનાત્મક પણ હૃદયદ્રાવક હોરર સ્ટોરી છે, જેનું દિગ્દર્શન વિશાલ પુરિયા કરી રહ્યા છે. 28 જૂન, 2025 ના રોજ કાજોલ અભિનિત હોરર ફિલ્મ 'મા' સિનેમાઘરમાં રિલીઝ થશે.
પ્રભાસની ફિલ્મ 'ધ રાજા સાબ' : સાઉથ અભિનેતા પ્રભાસને બાહુબલી તરીકે હિન્દી પટ્ટામાં વધુ લોકપ્રિયતા મળી. હવે પ્રભાસના ફેન તેને નવા લુકમાં જોશે. પ્રભાસની 'ધ રાજા સાબ' ફિલ્મ એક હોરર ફિલ્મ છે જેનું દિગ્દર્શન મારુતિ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર 16 જૂને રજૂ થશે. કહેવાય છે કે પ્રભાસની આ ફિલ્મ સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર હશે. 5 ડિસેમ્બરના રોજ 'ધ રાજા સાબ'ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.
સિદ્ધાર્થ મલ્હોત્રાની 'વન: ફોર્સ ઓફ દ ફોરેસ્ટ': કાજોલ અને પ્રભાસની જેમ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ વર્ષે હોરર ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે તમન્ના ભાટિયા પણ છે. 15મે 2026ના રોજ સિદ્ધાર્થની ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. એકતા કપૂરના પ્રોડકશનમાં બનેલ આ ફિલ્મમાં કુદરત, રહસ્ય અને ભયનું અનોખું મિશ્રણ જોવા મળશે.
આયુષ્માનની ફિલ્મ 'થામા': આ ફિલ્મમાં પ્રથમ વખત આયુષ્માન ખુરાના સાઉથ સુપર સ્ટાર અને નેશનલ ક્રશ અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે. 'મુંજ્યા' ફેમ આદિત્ય સરપોતદાર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ હોરર ફિલ્મ પણ એકતાકપૂરના પ્રોડકશન હાઉસ હેઠળ બની છે. ફિલ્મની રિલીઝ ડેટ ફાઈનલ થઈ નથી. પરંતુ કહેવાય છે કે દિવાળીના તહેવારમાં આ ફિલ્મ રિલીઝ થઈ શકેછે.