- શ્રદ્ધાંજલી આપવા પહોંચેલા અભિનેતા પર ચપ્પલ ફેંકાયું
- દિવંગત એક્ટરના અંતિમ સંસ્કાર દરમ્યાન બની ઘટના
- થલાપતિ વિજયને ભીડમાંથી કોઈએ ચપ્પલ ફેંક્યું
સાઉથ સિનેમાના દિવંગત અભિનેતા અને રાજનેતા વિજયકાંતના અંતિમ દર્શને આવેલા મોટા સ્ટાર થલાપતિ વિજય તરફ ચપ્પલ ફેંકાયું હતું. ચેન્નઈમાં આવેલા આઈલેન્ડ ગ્રાઉન્ડમાં એકઠી થયેલી ભીડમાં એક્ટર તરફ ચપ્પલ ફેંકાતા ભારે હોબાળો મચી ગયો હતો. કારણ કે, એક્ટર વિજય થલાપતિ શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. ચપ્પલ ફેંકાતો હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે જ્યારે થલાપતિ વિજય ભીડની વચ્ચેથી આગળ જવા લાગે છે ત્યારે કોઈએ જોરથી ચપ્પલ તેમની તરફ સીધું ફેંકી દેતા તેમને ચપ્પલ લાગ્યું હતું. આમછતાં થલાપતિ વિજયે આ ઘટના પર તાબડતોબ કોઈ પ્રતિક્રિયા ન આપી અને આગળ ચાલતી પકડી. પરંતુ તેની પાછળ ચાલતા એક શખ્સે તરત ચપ્પલ ઉપાડી એ જ દિશામાં ફેંક્યું જ્યાંથી તે ફેંકાયું હતું. ફિલ્મ સ્ટાર પર શા માટે હુમલો થયો આ અંગે જાણવા નહોતું મળી શક્યું. પરંતુ એકટર અજિતના ફેન્સ કલબે એક નિવેદન ઈશ્યૂ કરી આખી ઘટનાને વખોડી હતી.













