ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે અને તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન ભારતના રહેઠાણ વિસ્તારો પર સતત ડ્રોન હુમલા કરી રહ્યું છે, જેના માટે તેને યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. આની અસર ભારતીય મનોરંજન ઉદ્યોગ પર પણ પડી રહી છે. જ્યારે ઘણા શો રદ્દ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમના શો રદ્દ કર્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, શ્રેયા ઘોષાલે પોતાનો કોન્સર્ટ હાલ બંધ રાખ્યો છે. 10 મેના રોજ મુંબઈમાં તેનો કોન્સર્ટ થવાનો હતો, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રેયા ઘોષાલે આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. તે સિવાય અરિજિત સિંહે પણ ચેન્નાઈમાં પોતાનો કોન્સર્ટ રદ્દ કર્યો હતો. તેણે પોતાનો અબુ ધાબી કોન્સર્ટ પણ બંધ રાખ્યો હતો.
શ્રેયા ઘોષાલે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી
શ્રેયા ઘોષાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, 'મારા પ્રિય ચાહકો, ભારે દિલથી હું જણાવવા માંગુ છું કે મુંબઈમાં મારો કોન્સર્ટ, જે 'ઓલ હાર્ટ્સ ટૂર'નો ભાગ છે, અને 10 મે 2025 ના રોજ જિયો વર્લ્ડ ગાર્ડન બીકેસી ખાતે યોજાવાનો હતો, તે હાલ બંધ રાખવામાં આવ્યો છે.
હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોન્સર્ટ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે, અને હું તમારા બધા સાથે એક અદ્ભુત સાંજ શેર કરવા માટે ઉત્સાહિત છું. આગળ શ્રેયા ઘોષાલ કહે છે કે, હું દેશની સાથે છું અને એક કલાકાર અને નાગરિક તરીકે મારી જવાબદારીમાં આવે છે.
નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, પહેલેથી ખરીદેલી ટિકિટો માન્ય રહેશે
શ્રેયા ઘોષાલે આગળ લખ્યું, આ કોન્સર્ટ રદ્દ કરવામાં આવ્યો નથી, તે થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો છે. નવી તારીખ ખૂબ જ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેમણે પહેલાથી જ ટિકિટ ખરીદી લીધી છે, તેમની તે ટિકિટ માન્ય રહેશે. અને અમારા એક્સક્લુઝિવ ટિકિટિંગ પાર્ટનર, Book My Show તમને આગળની અપડેટ આપશે. તમારી- અને સહકાર બદલ આપ સૌનો આભાર. ત્યાં સુધી, કૃપા કરીને સુરક્ષિત રહો અને એકબીજાની સંભાળ રાખો.