બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર હંમેશા લોકોની મદદ માટે આગળ આવે છે. હાલમાં એક તમિલ ફિલ્મના સેટ પર સ્ટંટમેન SM રાજુના મૃત્યુ બાદ હોબાળો મચી ગયો હતો. અક્ષય કુમારે સ્ટંટમેનની સુરક્ષાનું ધ્યાન રાખીને એક ઉમદા કાર્ય કર્યું છે. તેમણે ભારતમાં લગભગ 650 સ્ટંટમેનનો વીમો કરાવ્યો છે.
અક્ષય કુમારે સ્ટંટમેન માટે કર્યું ઉમદા કાર્ય
SM રાજુના મૃત્યુએ મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સલામતીના ધોરણોનો અભાવ ઉજાગર કર્યો છે. આ અભાવને દૂર કરવા માટે અક્ષયની નવી વીમા યોજના સેંકડો એક્શન ક્રૂ સભ્યોને આરોગ્ય અને અકસ્માત વીમો પૂરો પાડે છે.
650થી 700 સ્ટંટમેનનો કરાવ્યો વીમો
અહેવાલ મુજબ, અક્ષયે એક વીમા યોજના શરૂ કરી છે જે આરોગ્ય અને અકસ્માત કવરેજ રજૂ કરે છે જેમાં 5થી 5.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારનો સમાવેશ થાય છે સેટની બહારની ઇજાઓ થાય તો તેનો પણ સમાવેશ કરાયો છે. અક્ષયના ઉમદા કાર્યની પુષ્ટિ દિગ્દર્શક વિક્રમ સિંહ દહિયા દ્વારા પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, 'અક્ષય સરનો આભાર, બોલીવુડમાં લગભગ 650થી 700 સ્ટંટમેન અને એક્શન ક્રૂ સભ્યો હવે કવરેજ હેઠળ છે.'
આ રીતે SM રાજુનું મૃત્યુ થયું
13 જુલાઈના રોજ ડિરેક્ટર પા રણજીતની ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટંટમેન એસએમ રાજુનું અકસ્માતમાં મૃત્યુ થયું. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. તેને જોઈને બધા ચોંકી ગયા છે. વીડિયોમાં રાજુ એક જોખમી સ્ટંટ કરતો જોવા મળે છે. કાર રેમ્પ પર અથડાય કે તરત જ તે કાબુ ગુમાવે છે. તે પછી કાર હવામાં પલટી ખાઈને જમીન પર પડી જાય છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5 હાલમાં જ રિલીઝ થઈ છે. લોકોને આ કોમેડી ફિલ્મ ખૂબ જ ગમી છે. અક્ષયે આ વર્ષે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો કરી છે. તેની પાસે હજુ પણ ઘણા પ્રોજેક્ટ્સ છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સે તેના પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપતો રહે છે.