સંગીત ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. વિશ્વભરમાં જાણીતા 'સુપરટ્રેમ્પ'ના સહ-સ્થાપક, સિંગર અને કીબોર્ડ પ્લેયર રિક ડેવિસનું 81 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે લોંગ આઇલેન્ડ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી સમગ્ર સંગીત ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
બ્લડ કેન્સરે લીધો સિંગરનો જીવ
અહેવાલો અનુસાર, રિક ડેવિસ મલ્ટીપલ માયલોમા (બ્લડ કેન્સર) નામની બીમારીથી પીડાતા હતા. વર્ષ 2015માં તેમને મલ્ટીપલ માયલોમા (બ્લડ કેન્સરનો એક પ્રકાર) હોવાનું નિદાન થયું હતું પરંતુ 10 વર્ષની લાંબી લડાઈ બાદ રિક ડેવિસે આ દુનિયાને અલવિદા કહ્યું. રિક ડેવિસ બ્રિટિશ રોક સંગીતની દુનિયામાં એક મોટું નામ હતું. બેન્ડે તેમના સત્તાવાર નિવેદનમાં આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી અને ઊંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, તેમને રિક સાથે 50 વર્ષથી વધુ સમય સુધી કામ કરવાનો લહાવો મળ્યો. બેન્ડે રિકના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું કે તેમનું સંગીત હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે.
રિક ડેવિસને હતો સંગીતમાં ઊંડો રસ
રિક ડેવિસનો જન્મ 1944માં ઇંગ્લેન્ડના સ્વિન્ડનમાં થયો હતો. તેમને બાળપણથી જ સંગીતમાં ઊંડો રસ હતો અને તેમણે નાની ઉંમરે જ ડ્રમ અને પિયાનો વગાડવાનું શરૂ કર્યું હતું. 1969માં તેમણે 'સુપરટ્રેમ્પ' બેન્ડની રચના કરી જે ટૂંક સમયમાં જ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. રોજર હોજસન સાથેની તેમની જોડીએ ઘણા હિટ ગીતો આપ્યા અને બેન્ડનું નામ ખૂબ ઊંચાઈએ પહોંચાડ્યું. સુપરટ્રેમ્પનું સૌથી સફળ આલ્બમ બ્રેકફાસ્ટ ઇન અમેરિકા હતું જેને ચાર વખત પ્લેટિનમ એવોર્ડ મળ્યો હતો અને તેણે બેન્ડને બે ગ્રેમી એવોર્ડ અપાવ્યા હતા. 1983માં જ્યારે રોજર્સે બેન્ડ છોડી દીધું ત્યારે રિકે સુપરટ્રેમ્પને ચાલુ રાખ્યું અને બેન્ડની ઓળખ જાળવી રાખી હતી.
તેઓ મહાન સંગીતકાર હતા
જોકે, જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેઓ સ્ટેજથી દૂર થઈ ગયા પરંતુ તેમણે તેમના કેટલાક જૂના મિત્રો સાથે એક નાનું બેન્ડ બનાવ્યું અને સ્થાનિક સ્તરે સંગીતનો આનંદ માણવાનું ચાલુ રાખ્યું. રિક ડેવિસ માત્ર એક મહાન સંગીતકાર જ નહોતા પણ ખૂબ જ સરળ માણસ પણ હતા. તેમના કાર્ય પ્રત્યેનું તેમનું સમર્પણ અને સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ સંગીત સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને પ્રેરણા આપે છે.